ઝરણાના લગ્ન થયાના હજુ તો શરૂઆતના નવા નવા દિવસો હતા એટલા માટે જવાબદારીઓ પણ ઓછી હતી પરંતુ સમય પસાર થઈએ તે પણ વધવાની જ હતી પરંતુ ઝરણાના માતા પિતા દ્વારા મળેલા સંસ્કારોને કારણે ઝરણાં કોઈપણ પડકાર ઝીલવા તૈયાર હતી.
લગ્ન થઈ ગયા પછીના દિવસો શાંતિથી પસાર થવા લાગ્યા અને હવે ફરીથી બિઝનેસ અને બધી ગાડી પાટા પર ચડી ગઈ હતી. એક દિવસ ઝરણાના સાસુ સસરા એ અપૂર્વ અને ઝરણાને હનીમૂન પર મોકલવાનું નક્કી કર્યું. તેઓ તેમના હનીમૂનની ટિકિટ ઝરણાના બર્થ ડે ના દિવસે ગિફ્ટ તરીકે આપશે તેવું નક્કી કરાયું કારણકે આગલા બે દિવસ પછી જ ઝરણાનો જન્મદિવસ હતો. એ રાત્રે ઝરણાના જન્મદિવસની પાર્ટી હતી ત્યારે તેના સાસુ સસરા તરફથી તેમને હનીમૂન માટે શિમલા અને મનાલીની ટિકિટો ગિફ્ટ કરવામાં આવી. હજુ તો બિઝનેસની ગાડી પણ પાટે ચડી હતી અને ઘરમાં પણ ધીમે ધીમે સરળતા આવવા લાગી હતી એટલા માટે અપૂર્વ અને ઝરણાં બંન્ને ચાહતા હતા કે તેઓ હમણાં ન જાય પરંતુ અપૂર્વ ના માતા પિતા એકના બે ન થયા અને બંનેને આખરે હનીમૂન માટે જવામાં મજબૂર કરી જ દીધા. જન્મદિવસની પાર્ટી પણ પૂરી થવા આવી હતી અને બધા મહેમાનો પણ જતા રહ્યા હતા. છેવટે ઝરણાના મમ્મી પપ્પા અને તેની બહેન આકાંક્ષા પણ નીકળી ગયા ત્યારે ઝરણાના સાસુએ ઝરણા અને અપૂર્વને તેમની પાસે બોલાવ્યા.
” અરે બેટા કામ અને ઘર સંસાર તો સંભળતો જ રહેશે. પરંતુ આ ઉંમર વારંવાર નહીં મળે આ જ સમય છે પ્રેમની કેડીઓ પર મુકેલા પગલાંઓને વધારે ગાઢ બનાવવાનો અને અહીંયા ઘર સંભાળવા માટે તો હું છું અને બિઝનેસ માટે તો અપૂર્વના પપ્પા છે. બધું ઠીક થઈ જશે હાલ મારે કોઈ વાત સાંભળવી નથી અને આ ટિકિટનો ઉપયોગ કરો જાવ દસ-પંદર દિવસ મસ્તી કરી આવો પછી કામ તો કરવું જ છે ને. ” ઝરણાના સાસુ ઝરણા અને અપૂર્વને સમજાવતા કહેવા લાગ્યા.
” મમ્મી હવે અમને વાતો જ કરાવશો કે પછી પેકિંગ પણ કરવા દેશો આવતીકાલ બપોરની તો ફ્લાઇટ છે અને હજુ કંઈ પણ તૈયારી કરી નથી. હવે તમે મોકલવાનું નક્કી જ કર્યું છે તો પછી હવે બેડરૂમમાં જવા દો તો અમે થોડી તૈયારીઓ કરીએ. ” અપૂર્વની વાત સાંભળીને બધા હસવા લાગ્યા.
ઝરણા અને અપૂર્વ બેડરૂમમાં જઈને પોતાની બેગો પેક કરવા લાગ્યાં. અને બીજો દિવસ પણ આવી ગયો અને એ સમય પણ આવી ગયો જ્યારે એ પેક કરાયેલી બેગો એરપોર્ટ સુધી પહોંચી ગઈ અને એરપોર્ટથી ફ્લાઇટમાં પણ પહોંચી ગઈ. તેઓ સીમલા પહોંચી ગયા અને ત્યાં તેમની હોટલ અગાઉથી જ બુક કરેલી હતી તેથી તેઓએ હોટલ સુધી ગાડી કરી અને હોટલમાં રિસેપ્શન પર ઇન્કવાયરી પૂરી કરીને પોતાની રૂમમાં પહોંચી ગયા.
હોટલ સુધી પહોંચતા પહોંચતા લગભગ સાંજ પડવા આવી હતી એટલે હવે બહાર જવાનું તો કોઈ બહાનું રહ્યું નહોતું એટલા માટે બંને ફ્રેશ થઈને ડિનર બને ત્યાં સુધી હોટલના ગાર્ડનમાં જ બેસવાનું નક્કી કર્યું. પરંતુ સાંજ થતા થતા ઠંડી પણ વધવા લાગી હતી તેથી તે ગુલાબી ઠંડીમાં ગાર્ડનમાં સાંજ માણવાની મજા જ કંઇક અલગ હતી. ગરમ ગરમ ચાની ચુસકીઓ લેતા બંને હોટલના ગાર્ડનમાં જ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. અંધારું થવા આવ્યું હતું તેમ છતાં તેઓએ ઘણા બધા ફોટાઓ પાડ્યા. થોડીવાર માટે આજુબાજુમાં ચક્કર લગાવ્યા ત્યાં તો ડિનર બની ગયું હતું. રાત્રે હોટલે ના જ ગ્રાઉન્ડ ફ્લોર પર ડીજે પાર્ટીની વ્યવસ્થા કરવામાં આવી હતી એટલા માટે બંનેએ અમુક સમય માટે ડીજે પાર્ટીમાં મજા કરી. તે રાત બંને માટે સૌથી ભવ્ય રાત હતી. બીજે દિવસે સવારે બંને મોડા જાગ્યા કારણકે આગલા દિવસનો સફરનો થાક અને ઉપરાંત એ ગુલાબી ઠંડીમાં સુવાની મજા અને બીજું કંઈ કામ પણ ન હતું એટલા માટે સવારે મોડું જગાયું.
બંનેએ જલ્દી ફ્રેશ થઈને નાસ્તો પતાવીને સીમલાની ગલીઓમાં ફરવા માટે નીકળી પડ્યા. આખો દિવસ ખૂબ જ મસ્તી કરી અને ઘણી રાઇડ્સ કરી અને ઘણા એડવેન્ચરો કર્યા.
” બસ અપૂર્વ હવે આજે હજુ તો પહેલો જ દિવસ છે કેટલું ફરવું છે હવે હું થાકી ગઈ છું હવે મને લાગે છે કે આપણે હોટલ તરફ પાછા વળવું જોઈએ. અને આમ પણ હવે સાંજ પડવા આવી છે.” રસ્તા પરના એક બાંકડા પર બેસતા ઝરણાં એ અપૂર્વની સામે જોઈને હસતા હસતા કહ્યું.
” લો એક જ દિવસમાં થાકી ગઈ? હજુ તો ઘણું બધું ફરવાનું છે. સારું ચલ હવે કાલે જઈશું હું ડ્રાઇવરને ફોન કરું છું. ” અપૂર્વ એ ઝરણાની બાજુમાં બેસીને પોતાના ખિસ્સામાંથી ફોન કાઢતા કહ્યું.
થોડીવારમાં તેઓ જ્યાં હતા ત્યાં ગાડી આવી ગઈ અને તેઓ ફરીથી હોટલમાં પહોંચી ગયા.
સીમલામાં ઝરણા અને અપૂર્વનો પહેલો દિવસ ખૂબ જ યાદગાર બની ગયો અને ખૂબ જ શાંતિપૂર્વક પસાર થયો. પરંતુ આગળનો સમય કઈ મુસીબત લાવે છે જાણીશું આગળના ભાગમાં.
ક્રમશઃ
halfdream….. sapna