બાલ્કનીમાં બેસીને આજે ચાની ચૂસકી ઓ લેતા-લેતા આજે ભૂતકાળના ખોવાયેલા પન્નાઓને શોધવાનું મન થયું ચાની ચુસ્કી લેતા લેતા ક્યારે હું જૂની રંગવાણીઓ માં ખોવાઈ ગઈ એનો મને પણ ખ્યાલ ના રહ્યો. શું હતું મારી પાસે જ્યારે અમે પહેલીવાર આ શહેરમાં પગ મુક્યો હતો. કંઈ જ તો ન હતું બસ મેં મારું ભણવાનું પૂરું કર્યું અને મારા પિતાજીએ મારા લગ્ન અમારા બાજુના ગામના પિતાજીના મિત્ર ના છોકરા સાથે કરાવી દીધા. બસ પહેલીવાર હું લગ્ન કરીને એમની સાથે અહીં આવી હતી. વાત તો એમ હતી કે સુરત શહેરમાં આવવું એ મારું એક સ્વપ્ન હતું. હું મારા પરિવાર સાથે પહેલેથી જ ગામડે રહેતા હતા. ગામડે પિતાજીના પિતાજીનું એક નાનું એવું ખોરડું હતું જેમાં અમે લોકો બે બહેનો એક ભાઈ અને માતા-પિતા સાથે પાંચ લોકોનો સુખી પરિવાર રહેતા હતા. ઘરમાં એટલી બધી સગવડ ન હતી કે બધાના સપનાઓ શાનદાર રીતે પૂર્ણ થઇ શકે પરંતુ તેમ છતાં દરેકના મોઢા પર હાસ્ય કિલકીલાટ,અને હંમેશાં ખુશીઓ છવાયેલી રહેતી. એકબીજાને ચેનચાળા કરતા,એકબીજા સાથે રમતો રમતા,અને એકબીજાની મજાક ઉડાવતા અમે હંમેશા એ નાનકડા એવા ઘરમાં જ ખુબ ખુશ હતાં. હું વધારે તો ભણી શકી ન હતી માત્ર ગામમાં નવ ધોરણ સુધીની જ શાળા હતી અને બીજું આગળ ભણવા માટે બહાર જવું પડે પણ બહાર જવું એ મારા પિતાજીને પરવડે તેમ ન હતું કેમ કે અમારા કુટુંબની હાલત થોડી નબળી હતી. મારા નાનકડા ભાઈને ભણાવી ગણાવીને મોટો સાહેબ બનાવવો એ અમારું સ્વપ્ન હતું. તેથી મેં મારા સપનાઓ ને પાછળ ધકેલી દીધા અને નવ ધોરણ સુધી જ ભણી અને ગામની એ જ શાળામાં એક શિક્ષિકા તરીકે નોકરી કરવા લાગી. પણ જ્યારે મારું ભણતર પૂર્ણ થયું ત્યારે જ મારા પિતાજીએ મારી સગાઈ તેમના મિત્ર ના દિકરા સાથે કરાવી દીધી હતી. લગ્નને હજુ વાર હોવાથી હું નોકરી કરવા લાગી અને ત્યાં સુધીમાં મારી નાની બહેન નું પણ ભણતર પૂરું થઈ ગયું હતું અને તે પણ મારી સાથે નોકરીમાં જોડાઈ ગઈ હવે ધીમે ધીમે અમારા પરિવારની હાલત સુધારવા લાગી કારણ કે ઘરમાં હવે ત્રણ વ્યક્તિ કમાવાવાળા હતાં. ભાઈ એ પણ નવ ધોરણ સુધીનું ભણતર ગામમાં જ પૂર્ણ કર્યું હતું અને આગળનું ભણતર પૂર્ણ કરવા માટે તે ગામની બહાર આવેલી શાળામાં જવા લાગ્યો દરરોજ તે અપડાઉન કરતો ધીરે-ધીરે હવે મારા લગ્ન નજીક આવી ગયા હતા. મારા માતા-પિતાએ પોતે બચાવેલી મૂડી માંથી મારા લગ્ન કરાવી આપ્યા. લગ્ન કરીને અમે લગભગ પંદરેક દિવસ જેટલું જ ગામડે રહ્યા હશું અને પછી એમની જોડે નોકરી પણ સુરત શહેરમાં લાગી હતી. તેથી અમે બે જોડી કપડા લઈ ને સુરત શહેરમાં આવી ગયા અને પહેલાં તો ભાડે મકાન રાખી અને રહેવા લાગ્યાં. તેમને સારી સરકારી નોકરી લાગી હતી. તેથી થોડાક સમયમાં અમારા બધા ખર્ચાઓ નિકળી ગયા અને હવે અમે એક નવું ઘર લેવાનું વિચારી રહ્યા હતા નવું ઘર અમારું પોતાનું ઘર આ શબ્દો સાંભળીને જ હું ખૂબ ખૂબ ખુશ થઈ ગઈ.
જ્યારથી અમે આ શહેરમાં પગ મુક્યો ત્યારથી અમે ખૂબ જ મહેનત માં લાગી ગયા હતા કારણ કે ગામડે રહેતા પરિવારના ખર્ચાઓ કાઢવા અને સાથે સાથે અમારા પણ ખર્ચાઓ કાઢવા એ અઘરું હતું તેથી અમે બીજું કંઈ પણ વિચાર્યા વગર કામમાં લાગી ગયા. એમને તો સરકારી નોકરી હતી એટલે તે પોતાની નોકરી કરવા લાગ્યા અને હું પણ નવ ભણી હતી વધારે તો ભણી હતી નહીં એટલે હું પણ ઘરે જ બાળકોને ટ્યુશન કરાવવા લાગી. શરૂઆતમાં માત્ર બે બાળકો આવતાં ધીમે ધીમે સંખ્યા વધવા લાગી અને જેમ ઓળખાણ થતી ગઇ તેમ તેમ વધારે આવવા લાગ્યા અને લગભગ 50થી 60 બાળકો થઈ ગયા હતા તેથી મેં બે પાળી ઓમાં ટ્યુશન કરાવાનું ચાલુ કર્યું. મારી બચત માંથી હું થોડા ઘણા રૂપિયા મારા ઘરે પણ મોકલી આપતી હતી.એમનો સ્વભાવ પણ ખુબજ સારો હતો એમને મને કોઈ વસ્તુ માટે ક્યારેય ના નથી કહી.એ પણ મારાં પરિવારની પરિસ્થિતિ જાણતા હતાં.
સુરત મારા સ્વપ્નનું શહેર સુરત અમે જ્યારથી સુરત આવ્યા ત્યારથી લગભગ આઠેક મહિનાઓ થઈ ગયા હતા. પરંતુ પરિસ્થિતિને સુધારવા માટે અમે ખૂબ મહેનત કરવા લાગી ગયા અને બહારની દુનિયામાં મેં ક્યારેય ડોક્યું નહોતું કાઢ્યું. અને કામ અને મહેનતમાં મારા સપના ને ભૂલી જ ગઈ મારું નાનપણ થી એક જ સ્વપ્ન હતું કે હું સુરત શહેરમાં ફરું. મેં હંમેશા શહેર વિશે જાદવ કાકાની ટીવીમાં સાંભળ્યું હતું આખા ગામડામાં એકમાત્ર જાદવ કાકા ની દુકાન પર જ ટીવી હતુ.જ્યારે તે સમયે મને ઘરેથી કોઇ વસ્તુ લેવા માટે જાદવ કાકાની દુકાને મોકલવામાં આવે ત્યારે હું થોડા સમય માટે ટીવી સામે બેસી જતી બસ એકવાર ટીવીમાં જ્યારે સુરત વિશે બતાવી રહ્યા હતા. ત્યારે હું પણ કાકા ની દુકાન માં કેવી સામે મીટ માંડીને હાથમાં સામાન લઈને બેઠી હતી.સામાન તો જ્યાં હતો ત્યાંનો ત્યાં જ રહી ગયો હતો. હું તો બસ શહેર ને જોતી રહી ગઈ અને ત્યારથી જ મારા મનમાં આ શહેર વસી ગયું હતું. અને મેં મનમાં નક્કી કર્યું હતું કે જીવન માં હું એકવાર તે શહેરમાં જરુર જઈશ. અને ભગવાને મારી સાંભળી પણ લીધી મારા લગ્ન થયા અને એ જ વખતે એમને પણ સુરતમાં નોકરી મળી ગઈ એટલે અમે લોકો સુરત તો આવ્યા પણ મારા નસીબમાં હજુપણ ખૂબ મહેનત લખી હતી.એટલે સુરત જોવાનો ક્યારે મોકો જ નહોતો મળ્યો. અમારું પહેલું ધ્યેય સુરત માં પોતાનું મકાન બનાવવાનું અને ગામડે વસેલા અમારા પરિવારની ખુશીઓ સંકોરવાનુ હતું……..
હવે ધીમે-ધીમે હું મારા માટે સમય કાઢવા લાગી હતી કારણકે મારા પરિવારની અને અમારી સ્થિતિ ઘણી સુધરી ગઈ હતી . અને અમારું મકાન પણ બની ગયું હતું એટલે હવે અમારે પણ નવા ઘરમાં જવાનું હતું. જ્યારે મેં પહેલી વાર નવા ઘરમાં પગ મૂક્યો ત્યારે મારા શરીરના જાણે એકેએક રોમ ઉંચા થઈ ગયા હતા. મારું મન ફૂલ્યું ન સમાતું કે હવે આવડા મોટા શહેરમાં મારું પણ એક ઘર છે. હવે એમને પ્રમોશન પણ મળી ગયું હતું એટલે તેમનો પગાર બે ગણો થઈ ગયો હતો. એટલે હવે મારે કોઈ ઘર માં કામકાજ કરવાની જરૂર હતી નહીં. હવે હું ખુદ ની રીતે સ્વતંત્ર બની ગઈ હતી અને મેં મારું સ્વપ્ન પૂર્ણ કરવા માટે આંખો ખોલી સુર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું આ રમણીય શહેર મને જોવાની ઘેલછા હતી. હવે જ્યારે એમને રજાનો દિવસ હોય એટલે અમે બહાર ફરવા માટે નીકળી પડતાં બસ મને તો ખૂબ જ ગમતું અને વળી કેમ ન ગમે?? મારી તો ઇચ્છા જ એ હતી નાનપણથી તો સ્વપ્ન જ એ હતું કે હું સુરતમાં ફરું સુરત શહેરના એટલે કે મારા સ્વપ્નના શહેરના દરેક સ્થળો મારે ફરવા હતા. બસ પછી મારા ફરવાનો સિલસિલો ચાલુ થઈ ગયો.
આમ પણ મને દરિયાકિનારો ખુબ જ ગમતો હતો અમે તો નાનકડા ગામમાં રહેતા એટલે આજુબાજુ તો કોઈ દરિયાકિનારો હતો નહીં માત્ર નદી જોઈ હતી. એટલે મેં મારી સફર સૌથી પહેલાં દરિયા કિનારાથી જ ચાલુ કરી.હું સુરત આવીને સૌથી પહેલાં “ડુમસ” ગઈ હતી.ડુમસ બીચ જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગઈ. પવનની લહેરખી.દરિયામાં ઉછળકૂદ કરતાં મોજાઓ સાથે રમીને મને ખૂબ જ આનંદ થયો. અને બાફેલી મકાઈ ની મજા તો કાંઈક અનેરી જ હતી, અને એ પણ સાંજે હોટલની પાવભાજી,અને એ સમયે તો ત્યારે કોઈ વી આર મોલ કે,પી વી આર મોલ, કે બિગ બજાર કે કોઈ એવા મોટા મોલ બન્યા હતા નહીં. નહીં તો ત્યાં પણ લટાર મારતી આવત પણ દરિયાકિનારાની સફર મને ખૂબ જ આનંદદાયક લાગી. પણ મારે તો સફર કંઈ અહીં જ નહોતી પૂરી કરવાની. ફરી આગલી રજા માં નીકળી પડ્યા.
મારો આગલો સફર હતો ગોપીપુરા તમને તો ખબર જ હશે ગોપીપુરા માં શું આવેલું છે. ” ગોપી તળાવ “આ તળાવ સુરતના ગવર્નર અને સાથે સાથે વેપારી એવા મલિક ગોપીએ મુઘલ સામ્રાજ્ય દરમિયાન બનાવ્યું હતું. આ તળાવની રમણીયતા જોઈને મને તો ખૂબ જ મજા પડી ગઈ. ત્યાર પછી તો હું ઘણીવાર ગોપી તળાવ ની સફરે ચૂકી પણ પહેલીવાર જે હું ગઈ હતી એ સફર મને કેમ ભુલાય… ભલે એ સમયે આજના સમયમાં જે સગવડ છે એવી સગવડ કે કોઈ વધારે પડતો જોવાનો નજારો ન હતો પણ તેમ છતાં પ્રકૃતિના ખોળે રમતું તળાવ અને સુંદર નજારો જોઇને મન ગદગદ થઈ ગયું. અમે તો ખૂબ જ ફર્યા હતા બસ મારા માટે તો રજા નો દિવસ આવે એટલે સુરત ફરવાનો દિવસ અને સાથે સાથે નવા ઘરમાં પ્રભુતામાં પગલા પણ પાડ્યા હતાં એટલે મારી ખુશીઓનો તો કોઈ સમાવેશ જ ન હતો.
એ ઘર જ હતું કે જ્યાંથી મારા સપનાઓ પુરા થવાની શરૂઆત થઇ હતી એટલે કે હાલ કહું તો અત્યારે હું જ્યાં બેઠી છું એ જ ઘર આ ઘરે મારા સપનાઓ પુરા કરવામાં કોઈ ઓછી કચાશ નથી રાખી આ ઘર મારા માટે ખૂબ જ લક્કી છે. અહીંયા મેં મારું બાળપણ તો નથી જોયું પણ મેં મારા બાળકોનું બાળપણ ખૂબ સારી રીતે જોયું છે અને માણ્યું પણ છે. આ ઘરનો નાનામાં નાનો ખૂણો પણ મારાથી સહેજે પણ અળગો નથી. અને ત્યાર પછી તો મેં સુરતમાં ઘણી બધી જગ્યાઓ માં મારી સફર પૂરી કરી. જેવીકે જગદીશ ચંદ્ર બોઝ એક્વેરિયમ, ઇસ્કોન મંદિર, રામ મઢી, સરથાણા નેચર પાર્ક, સુરતનો કિલ્લો, અંબાજી મંદિર, અને છેલ્લી સફર હતી ઉભરાટ બીચ આમ તો નાની મોટી ઘણી જગ્યાઓમાં ફરી હતી પણ આ જગ્યાઓ મારા માટે ખાસ હતી. મેં ફરવાની શરૂઆત પણ ડુમસ બીચ થી કરી હતી અને લગભગ અડધાથી ઉપર શહેર મેં જોઈ લીધું હતું અને હવે સમય હતો મારી સફર ને વિરામ આપવાનું અને સુરત શહેરમાં છેલ્લી સફર મેં ઉભરાટ બીચ પર જ કરી હતી. અને આ બધી સફર પૂરી કરતા કરતા હું બે બાળકોની માતા બની ચૂકી હતી.
એ દિવસે દિવાળી હતી.જયારે મેં અને એમણે ઘરને રીનોવેશન કરાવવાનું નક્કી કર્યું. હવે ઘર પહેલા કરતાં પણ સુંદર બની ગયું હતું. મેં મારા બાળકોના જન્મ થી લઈને અત્યાર સુધી મોટા થયેલા ની દરેક સ્મૃતિઓ મારા ઘરના ખૂણે-ખૂણે સાચવી છે . જ્યારે અમે નવું ખરીદયું ત્યારે આ એક મકાન હતું. એમાં મે અને એમણે લાગણીઓ પૂરીને પરિવાર બનાવી અને એ મકાનને ઘર બનાવી દીધું. આજે એ જ ઘરમાં મારા પૌત્ર અને પૌત્રીઓ ના પણ જન્મ થયા છે. મેં મારું બાળપણ અને યુવાની સુધી ની જિંદગી આ ઘરમાં નહોતી જીવી પરંતુ મારા બાળકો અને એના બાળકોના જન્મ થી લઈને મોટા થવા સુધીમાં મેં ખુદ મારી આખી જિંદગી જીવી લીધી . અત્યારે હું અને એ સાવ નિવૃત્ત થઈ ગયા છીએ. બસ દરરોજ સવારે ઊઠીને રોજનું કામ પતાવીને અહીંયા બાલ્કનીમાં બેસવાનું અને પહેલાની જેમ જ ચાના ઘૂંટડા ઓ લેતા-લેતા વાતો કરવાની બસ ફરક એટલો જ હતો કે પહેલા જ્યારે એમને નોકરીમાં રજા નો દિવસ હોય ત્યારે સવારે અહીંયા બાલ્કનીમાં બેસવાનો સમય મળતો અને આજે દરેક સવાર અહીંયા જ પસાર કરવાની હોય છે. રોજે નવી નવી સ્મૃતિઓ મગજમાં આવ્યા કરે છે.આજે સવારમાં જાગતા વેંત જ આખા ઘરમાં મારી નજર ફરી વળી અને ચા લઈને બેઠી ત્યાં તો મારા સુખી ઘરની સ્મૃતિઓ મારા મન ના આંગણીયામાં વળગી પડી.
halfdream….. sapna