” ઝરણા બેટા ઝરણા જલ્દી કર. વાહ આજે તો મારી દીકરી ખૂબ જ સુંદર લાગી રહી છે.” ઝરણાની મમ્મી ઝરણાના રૂમની અંદર આવતા ઝરણાને જોઈને કહેવા લાગ્યા એટલી વારમાં તેની પાછળ પાછળ ઝરણાની નાની બહેન આકાંક્ષા પણ ત્યાં આવી પહોંચી.
” હા હા મમ્મી આજે તો ઝરણા દીદી કેમ સુંદર ન દેખાય આખરે તેનો સપનાનો રાજકુમાર જોવા આવવાનો છે. બસ હવે તો વાત પાકી થાય એટલે ઝરણાબેન જલદી સાસરે જાય અને આ મારો રૂમ ખાલી થાય. “
રૂમમાં હજુ આ બધા હસી મજાકનો માહોલ ચાલી જ રહ્યો હતો એટલે વારમાં ઝરણાના પપ્પાનો અવાજ આવ્યો કે , ” મહેમાન આવી ગયા છે. માં દીકરીઓ મજાક અને વાતો પછી કરજો. ” ઝરણાના પપ્પાની વાત સાંભળતા જ આકાંક્ષા ઝરણા પાસે રહી ગઈ અને તેની મમ્મી તેના પપ્પા સાથે બહાર હોલ તરફ ગઈ. ત્યારબાદ બંને બહેનો હળવેથી કિચન તરફ જતી રહી. મહેમાન ઘરમાં આવી ગયા હતા. આકાંક્ષા રસોડાની બારીમાંથી આ બધું દ્રશ્ય જોઈ રહી હતી પરંતુ ઝરણાની આંખો ઉંચી થતી હતી નહીં તે શરમાઈ રહી હતી.
” અરે દીદી એમાં શરમાવાનું શું? જરા નજરોને ઉંચી કરીને જો તો ખરી આખરે બાયોડેટામાં જોયેલો ચહેરો તારી સામે તો છે. જરા એક નજરે તારી પલકોને નઉંચી કરીને જો તો ખરી ” આકાંક્ષાએ તેના ચંચળ સ્વભાવ મુજબ ઝરણાની પાસે જઈને કહ્યું.
હજુ આ બધો સંવાદ ચાલી જ રહ્યો હતો એટલીવારમાં બહારથી ઝરણાના પપ્પાનો અવાજ આવ્યો ઝરણાબેટા પાણી લાવો. ઝરણા પાણીનાં ગ્લાસ મૂકેલી ટ્રે લઈને કિચન માંથી બહાર હોલ તરફ શરમાતી શરમાતી ગઈ. જેવી ઝરણા બહાર ગઈ કે સામે આવેલા મહેમાનોની નજર ઝરણા પર પડી કે તે લોકો ઝરણાને જોઈને અવાક જ બની ગયા. એકવાર તેઓએ તેમની સામે જોયું પછી તેને જોતાં જ રહી ગયા. અને આ બાબત બનવી એકદમ સામાન્ય હતી કારણ કે ઝરણા હતી જ એટલી સુંદર કે કોઈનું પણ મન આકર્ષી લે પરંતુ ઝરણાની આંખો તો શરમના મારે ઝૂકેલી જ હતી તે કોઈની સામું નહોતી જોઈ રહી. તેના ગાલો શરમથી લાલ લાલ થઈ ગયા હતા. તેની આ નરમી ભરેલી શરમ અને ગાલ પર લટકતી વાળની લટ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાડી રહ્યા હતા. જ્યારે ઝરણા બધાને પાણી આપી રહી હતી ત્યારે સામે બેઠેલા મહેમાનોની એક મેક ની નજર એકબીજાને ઇશારાઓમાં કંઈક કહી રહી હતી. ત્યારબાદ ઝરણાને તેની મમ્મીએ ત્યાં સામે સોફા પર બેસવા માટે કહ્યું.
” આ મારો મોટો દીકરો અપૂર્વ છે જેના માટે અમે તમારી દીકરી ઝરણાનો હાથ માંગવા માટે આવ્યા છીએ. આ તેની બાજુમાં બેઠો તે તેનો નાનો ભાઈ છે તે હાલ લંડનમાં અભ્યાસ કરે છે પરંતુ વેકેશનના કારણે અહીંયા છુટ્ટીઓ ગાળવા માટે આવ્યો છે. ” અપૂર્વની મમ્મીએ ઝરણા અને તેના પરિવારની સામે જોઈને કહ્યું.
અપૂર્વ પણ સુંદર હતો પરંતુ ઝરણાની સામે તેની ઝાંખી ઓછી જ હતી. અપૂર્વ જ શું બીજો કોઈ પણ છોકરો લઈ લો પરંતુ ઝરણાની સામે કોઈ ટક્કર ન લઈ શકે તે બધાને તો ઝરણા એક જ મિનિટમાં પસંદ આવી ગઈ હતી. હવે સવાલ હતો ઝરણાની પસંદગીનો પરંતુ ઝરણા ઊંચું માથું કરીને જુએ તો તે અપૂર્વની પસંદગી કે નાપસંદગી કરી શકે ને.
” હવે તો બાયોડેટાની સિસ્ટમ છે એટલા માટે તમે બંને એકબીજા વિશે ઘણું ઘણું જાણો છો તેમ છતાં તમારે ફરી એકવાર પૂછવાની ઈચ્છા હોય તો તમે અપૂર્વ સાથે વાતચીત કરી શકો છો. ” અપૂર્વ ના પિતાએ ઝરણાના પપ્પા અને મમ્મીની સામે જોઈને કહ્યું.
ઝરણાના પિતાએ બાયોડેટા માં એકવાર જાણી લીધા છતાં એકવાર અપૂર્વના મોં એથી સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી અને પૂછ્યું કે બેટા તમે શું સ્ટડી કર્યું છે અને હાલ તમે શું કરો છો?
” એક્ચ્યુલી મેં કોમર્સમાં માસ્ટર કર્યું છે. મને પપ્પાનો બિઝનેસ સંભાળવાની ખૂબ જ તલાવેલી હતી કેમકે મને તેમના બિઝનેસમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો બસ એટલા માટે મેં કોમર્સ લાઈન પસંદ કરી. ” અપૂર્વ એ ઝરણાના પપ્પાની સામે જોઈને તેમના પ્રશ્નોનો જવાબ આપ્યો.
” મેં બી.બી. એ કર્યું છે. કોલેજ ઘરથી ઘણી દૂર હતી એટલા માટે માસ્ટર કરવાનું મેં ટાળ્યું હાલ હું ઘરે જ કામ કરું છું. મને જોબ કરવી પસંદ નથી. એકવાર ટ્રાય કર્યું હતું પરંતુ ન ફાવ્યું. એટલે હાલ હું બ્યુટી ક્લાસમાં જાઉં છું અને બ્યુટી પાર્લરનું શીખી રહી છું. ” ઝરણાંએ પણ શરમાતા શરમાતા અપૂર્વના મમ્મી દ્વારા પુછાયેલા પ્રશ્નોનો જવાબ આપ્યો.
હજુ થોડી ઘણી વ્યવહારિક વાતો ચાલી રહી હતી એટલી વારમાં આકાંક્ષા નાસ્તાની ટ્રે લઈને બહાર આવી.
” આ મારી નાની દીકરી આકાંક્ષા છે. તે હાલ 11 સાયન્સમાં ભણે છે. “
આકાંક્ષાએ નાસ્તાની ટ્રે ત્યાં સામે મુકેલા ટેબલ પર મૂકી અને બધાને ચા નાસ્તો પીરસવા લાગી ત્યારે ઝરણા પણ તેની મદદ કરવા ઊભી થઈ બંને બહેનોએ થઈને બધાને ચા નાસ્તો સર્વ કર્યો. આકાંક્ષા જાણી જોઈને અપૂર્વને આપી રહી ન હતી નહીં કારણકે તે ચાહતી હતી કે ઝરણાં અપૂર્વને સર્વ કરે અને એક નજરે તેને જોઈ તો શકે. આકાંક્ષા જેટલી ટીખળ વૃત્તિ વાળી હતી એ ઝરણા એટલી જ શાંત હતી અને તે જાણતી હતી કે ઝરણાએ હજુ સુધી અપૂર્વની સામે જોયું પણ નહીં હોય. આખરે અપૂર્વની વારી આવી અને ઝરણાં એ તેને ધ્રુજતા હાથે નાસ્તાની ડિશ અને ચા આપી. નાસ્તાની ડીશ અપૂર્વના હાથમાં મુકતા જ બંનેની નજર એકમેક થઈ અને ઝરણા એ અપૂર્વની સામે જોઈને હળવું સ્મિત કર્યું. સામે અપૂર્વ પણ એટલો જ શરમાળ હતો પણ ઝરણાના સ્મિત સામે આખરે તેને ઝૂકવું જ પડ્યું અને તેના હોઠો પર પણ નાનકડું એવું સ્મિત આવી ગયું. ત્યાર પછી આકાંક્ષા પણ ત્યાં જ તેના મમ્મી પપ્પાની પાછળ ઉભી રહી ગઈ.
” અરે બેટા તું કેમ ત્યાં ઉભી રહી ગઈ અહીંયા આવીને બેસ ને ” આકાંક્ષા ને ઊભેલી જોઈને અપૂર્વની મમ્મીએ તેની બાજુમાં બેસવાનો ઈશારો કરતા કહ્યું.
વધારે પડતું બોલવું નહીં તેવો આદેશ આકાંક્ષાનાં પપ્પા તરફથી આકાંક્ષાને મહેમાન આવ્યા તે પહેલા જ મળી ગયો હતો એટલા માટે આકાંક્ષા હજુ સુધી કંઈ બોલી હતી નહીં. નહીંતર આટલી બધી બોલકણી અને એક મિનિટ પણ ચૂપ ન રહેવા વાળી આકાંક્ષા ન બોલે તેવું કંઈ બને જ નહીં પરંતુ પપ્પાના ડરના કારણે તે ચૂપ ઉભી હતી. અપૂર્વના મમ્મીના બોલાવતા ની સાથે જ તે ત્યાં તેમની બાજુમાં સોફા પર જઈને બેસી ગઈ.
વાતચીત ચાલી રહી હતી અને સાથે સાથે નાસ્તો પણ બધાની દિશામાં નાસ્તો પૂરો થવા આવ્યો હતો ત્યારે ઝરણાની મમ્મી કહેવા લાગ્યા કે, ” અપૂર્વ બેટા તારે અને ઝરણાને કંઈક એકબીજા વિશે જાણવું હોય તો તમે બંને અંદર રૂમમાં જતા રહો. જા આકાંક્ષા બેટા બંનેને અંદર રૂમ તરફ લઈ જા. “
થોડીવાર પછી અપૂર્વ અને ઝરણા રૂમમાંથી બહાર આવ્યા અને ત્યાર પછી અપૂર્વ અને તેના પરિવારે ત્યાંથી રજા લીધી. બંને પરિવારો એકબીજાની હા કે ના ની રાહ જોઈ રહ્યા હતા. બંને પરિવારની ખુશીઓ પરથી તો એવું જ લાગી રહ્યું હતું કે બંને પરિવાર આ સંબંધ માટે તૈયાર છે. અને બન્યો પણ એવું કે એકબીજાની હામીથી બંને પરિવાર એક થવા માટે તૈયાર થઈ ગયા. એક અઠવાડિયા પછી અપૂર્વ અને ઝરણાની સગાઈ પણ ગોઠવી દેવામાં આવી.
અપૂર્વ અને ઝરણાના તેના પ્રભુતાના પગલાં તેઓને ટોચ સુધી લઈ જાય છે કે પછી મધ દરિયેજ નાવ ડૂબી જશે જાણીશું આગળના ભાગમાં.
ક્રમશઃ
halfdream…..sapna